ગરમી માં પશુ - પક્ષીઓ આકુળ વ્યાકુળ
રાજકોટમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં પશુ-પક્ષીઓ પણ આકુળ વ્યાકુળ... રોજ ૪૦ કબૂતર, ૧૦ શ્વાનને હીટસ્ટ્રોકની સારવાર... શ્વાનોને પાણી છાંટી બાદમાં એનિમલ હોસ્પિટલમાં બાટલા ચડાવાય છે... રાજકોટમાં છેલ્લા પંદરેક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તો અસર થાય છે એ ઉપરાંત પશુ-પક્ષી પણ હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. ગોંડલ ચોકડીઅને માધાપર ચોકડી ખાતે આવેલી એનિમલ હોસ્પિટલ માં રોજના ૪૦ જેટલાં કબૂતર અને ૧૦ શ્વાનને હીટસ્ટ્રોકની સારવાર આપવામાં આવી રહી છે. ગરમીના કારણે અશક્ત કબૂતર કયારે વૃક્ષ કે તાર પરથી નીચે પટકાઈ મોતને ભેટતા હોવાના કિસ્સા પણ બની રહ્યા છે. પશુ-પક્ષી માટે કાર્યરત કરુણા સંસ્થાના મિત્તલભાઈ ખેતાણીના જણાવ્યા મુજબ પશુ-પક્ષીને હીટસ્ટ્રોકનો ભોગ બનતા અટકાવવા માટે તેમની સંસ્થા સતત કાર્યરત છે. બે એનિમલ હોસ્પિટલ છે જ્યાં સારવાર આપવામાં આવી રહી છે. પશુ-પક્ષીની સારવાર કરી રહેલા ડો. દીપ સોજિત્રાએ કહ્યું કે ગોંડલ ચોકડી પાસે કરુણા ફાઉન્ડેશનની એનિમલ હોસ્પિટલ છે ત્યાં ૨૫ શઅવાન, ૧૨ બિલાડી અને ૨૦૦ કબૂતરને સારવાર આપી શકાય તેટલી વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો માધપર ચોકડી પાસેની એનિમલ હોસ્પિટલમાં ગાય સહિતનાં મોટા પશુ ૭૦ તેમજ ૨૦૦ કબૂતરને સારવાર આપવાની વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે, હાલ આકરા તાપમાં હીટસ્ટ્રોકના કેસ વધુ પ્રમાણમાં આવે છે. રોજના સરેરાશ ૪૦ જેટલા કબૂતર અને ૧૦ શ્વાનની સારવાર કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે તો સ્થળ પર પહોંચી જઈ કબૂતરની સારવાર કરવામાં આવે છે. બે કલાકના અંતે કબૂતરને હોસ્પિટલ પર પહોંચાડી ત્યાં સારવાર આપવામાં આવે છે. કેટલાક કિસ્સા એવા પણ બને છે કે ભારે તાપના કારણે કબૂતર અશક્ત બની જાય છે. જે વૃક્ષ પરથી કે તાર પરથી નીચે પટકાય છે. જેના કારણે કબૂતર નું મોત પણ થાય છે. હીટસ્ટ્રોકની સારવાર માટે આવતા કબૂતરમાંથી લગભગ ૨૦ ટકા જેટલા કબૂતરનો જીવ બચાવી શકાતો નથી. કારણ કે કરુણા સંસ્થાને જાણ કરવામાં આવી હોય ત્યારે મોડું થઈ ચૂકયું હોય છે. શ્વાનના કિસ્સામાં વૃદ્ધ, અશક્ત, બીમાર શ્વાન હીટસ્ટ્રોકનો ભોગ વધુ પ્રમાણમાં બને છે. જેને ઘણા દિવસો સુધી સારવાર આપવામાં આવે છે. શિયાળામાં પશુ-પક્ષીઓમાં બીમારીનું પ્રમાણ વધુ..... પશુ-પક્ષીમાં વાઇરલ ઇન્ફેક્શનની બીમારી શિયાળામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળામાં આ બીમારી ઓછી હોય છે જેની સામે હીટસ્ટ્રોકના કારણે સારવાર આપવાની સંખ્યા વધી જાય છે. #savenature
